શ્રેષ્ઠ શિક્ષક પારિતોષીક માટેના માપદંડમાં ફેરફાર : ૪ ઝોન રચના💐
રાજયના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોને અપાતા ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' પસંદગી માટેના માપદંડોમાં ફેરફાર કરાયા છે. સુધારેલા માપદંડોમાં શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર માટે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો-આચાર્યો માટે ગુણોત્સવમાં ઓછામાં ઓછા એ અથવા બી ગ્રેડ મેળવ્યા હોય તેવી શાળાઓના શિક્ષકો-આચાર્યો તેમજ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષક માટે પોતાના વિષયનું બોર્ડનું પરિણામ જે વિભાગ માટે અરજી કરી હોય તેમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૮૦ ટકાથી વધુ અને શાળાનું પરિણામ ૮૦ ટકાથી વધુ હોવું જોઈએ.
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકમાં પસંદગી માટેની સુધારેલી જોગવાઈ મુજબ શિક્ષકો, સી.આર.સી, કેળવણી નિરીક્ષક ઉપરાંત આ વખતે બી.આર.સી., મદદનીશ કેળવણી નિરીક્ષકનો પણ સમાવેશ કરાયો છે. સરકારી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર માટે ૧૫ વર્ષનો અનુભવ જરૂરી છે. માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો, સી.આર.સી, બી.આર.સી., મદદનીશ શિક્ષણ નિરીક્ષક (માધ્યમિક) અને કેળવણી નિરીક્ષક માટે કુલ ૧૫ વર્ષના અનુભવમાં જે તે જગ્યા ઉપરનો ૫ વર્ષનો અનુભવ હોવો જોઈએ. અપંગ કેટેગરી માટે ૧૫ વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ નક્કી કરવામાં આવ્યો છે.
શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારની પસંદગી માટે પ્રથમવાર રાજયમાં ૪ સુધારેલી જોગવાઇ મુજબ ઝોનની રચના કરવામાં આવી છે. ઝોન-૧ના શહેરી વિસ્તારવાળા ૭ જિલ્લાઓમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર અને જૂનાગઢ; ઝોન-૨ના નવા ૭ જિલ્લાઓમાં અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દેવભૂમિ દ્વારકા; ઝોન-૩ના ૯ જિલ્લાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ તેમજ ઝોન-૪ના ૧૦ જિલ્લાઓમાં મહેસાણા, પાટણ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર અને કચ્છનો સમાવેશ થાય છે.
No comments:
Post a Comment